ભાવનગરઃ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી ગુમ થયેલી એક મહિલા અને બે બાળકોના ગુમ થયા બાદ મૃત્યુંનો ભેદ ભાવનગર પોલીસે ઉકેલ્યો છે. ફોરેસ્ટ કોલોનીમાં એક ખાડામાંથી એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જેમાં ફોરેસ્ટમાં ફરજ બજાવતા પતિ દ્વારા પત્ની અને બાળકો ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે કરવામાં આવી હતી. ભાવનગર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાપસ કરતા ત્રણ વ્યક્તિઓની હત્યા ઘરના જ મોભીએ કર્યાનું સામે આવ્યું.
શૈલેષ ખાંધલાએ પોલીસને ગુમરાહ કરી
વન વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંધલા એ જ એમની પત્ની અને બે બાળકોની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પત્ની અને બે બાળકોના મૃતદેહને ઘરની પાછળના ભાગમાં આવેલા મોટા ખાડામાં દાટીને પત્ની તથા બાળકો ગુમ થયાનું નાટક રચ્યું હતું. 7 નવેમ્બરના રોજ શૈલેષે પોલીસ ફરિયાદ કરી હતી કે, એમની પત્ની અને બાળકો ગુમ થયા છે. પત્ની નયનાબેન, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા ઘરમાં ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી. તા.5 નવેમ્બરે તે નોકરીએ ગયો અને પછી બપોરના સમયે પરત આવ્યો એ સમયે ઘરને તાળું હતું.સુરત રહેતા એમના સાળાને કોલ કરી તપાસનું નાટક કર્યું અને પછી શોધખોળ શરૂ કરી. દિવાળી વેકેશનના પીરિડયમાં તેઓ ભાવનગર પરિવાર સાથે રહેવા આવ્યા હતા. ડ્યૂટીમાં ટાંસફર થતાં એમની નોકરી હવે ભાવનગર નક્કી થઈ હતી.
ફરાર થઈ ગયો
પત્ની અને બાળકોની હત્યા કરીને પોલીસમાં પરિવારજનો ગુમ થયાની શૈલેષે ફરિયાદ કરી હતી. પછી તે એકાએક ફરાર થઈ જતા પોલીસને પતિ પર જ આશંકા હતી. ભાવનગર SP નીતેશ પાંડેએ જણાવ્યું હતું કે, ફોરેસ્ટ કોલોનીમાં ખાડામાંથી ત્રણેય વ્યક્તિના મૃતદેહ મળ્યા હતા. જેને પોસ્ટમોર્ટમમાં મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હત્યારા પતિને પકડવા માટે સુરત સુધી ચક્રો ગતિમાન કર્યા હતા. ટીમ પણ મોકલી હતી. પરિવારને મળવા સુરત પહોંચેલા પતિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાં કોઈએ જેસીબીની મદદથી ખોદકામ કર્યું છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લઈને તપાસ કરતા ખાડામાં બાંધેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા.
વિસ્તારમાં વાંસ આવતી હતી
જ્યાં ખાડો કરવામાં આવ્યો હતો ત્યાંથી પસાર થતાં પણ વાસ આવતી હતી. ભાવનગર પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ કરતા આ ભેદ ઉકેલાયો હતો. પોસ્ટમોર્ટમ માટે ત્રણેયના મૃતદેહને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, મૃતક નયનાબેનના ભાઈ પતિ-પત્ની વચ્ચે કોઈ જ પ્રકારના ઝઘડા કે માથાકુટ હોવાની વાતને નકારી રહ્યા છે. શૈલેષે આ હત્યા શા માટે કરી એ અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.