ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના ડભોડામાં નવ વર્ષની બાળકીની ઘર પાસે જ પ્લાસ્ટિકની બેગમાંથી લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. ગાંધીનગરના ડભોડા વિસ્તારમાં આવેલા રાયપર ગામમાંથી ગુરુવારે સાંજે પ્લાસ્ટિકના કોથળામાંથી નવ વર્ષની બાળકીની લાશ મળી આવી હતી.પોલીસ તપાસમાં તેનું દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે આ કેસમાં પાડોશીની પૂછપરછ કરતા બે અલગ-અલગ સ્ટેટમેન્ટ જાણવા મળતા હાલ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુમ થયાની ફરિયાદ હતીઃ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીનગર જિલ્લાના ડભોડા વિસ્તારમાં આવેલા રાયપુર ગામમાં ગત 12મી નવેમ્બરે-બુધવારે નવ વર્ષ અને 11 માસની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. પોલીસે ફરિયાદના આધારે બાળકીની શોધખોળ શરૂ કરાઈ હતી. સોશિયલ મીડિયામાં પણ જાહેરાત આપી હતી. પોલીસ તપાસ ચાલુ જ હતી ત્યાં અચાનક ગુરુવારે બાળકીના પરિવારને તેના ઘરની પાછળના ભાગે આવેલી ઓરડીમાં શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી મળી હતી. તપાસ કરતા ગૂમ થયેલી બાળકીની લાશ પેક કરેલી હાલતમાં જોવા મળી હતી.
પરિવારજનો આઘાતમાંઃ આ દૃશ્ય જોતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. ત્યારબાદ પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી, જેમાં એક બાળકે બે અલગ-અલગ સ્ટેટમેન્ટ આપતા પોલીસને શંકા ગઈ. તેમણે કહ્યું કે કોઈ અજાણી વ્યક્તિ ₹500ની લાલચ આપી બાળકીને લઈ ગઈ હતી, ત્યાર બાદ તેણે ફરી સ્ટેટમેન્ટ બદલતા કહ્યું કે, મેં એને નદી બાજુ જતા જોઈ હતી. આથી પોલીસે બાળક સહિત ચાર વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, બાળકીના પિતા GIDCમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે, જેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. હાલ બાળકીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવાઈ છે. પીએમ રિપોર્ટ બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.