અમદાવાદઃ ફોરેસ્ટ અને ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઑપરેશનમાં કાચબાની તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. આંતરરાજ્ય તસ્કરી કરતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસ તથા ફોરેસ્ટ વિભાગે દસ કાચબાનું રેસ્કયૂ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ચારેય આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરીને ગ્રાહક શોધતા હતા. એ પછી સોદો પાડતા હતા. કાચબા દીઠ 20 હજારથી દોઢ લાખ રૂપિયા લેતા હતા. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં ટોળકીએ 60 કાચવા વેચી નાંખ્યા છે.
વેચાણ આ રીત થતુંઃ મુકેશ સોની, શુભમ નોતવાણી, યશવંત ચૌહાણ અને સંકેત સોનવણેની પોલીસે ધરપકડ કરી છે. ફોરેસ્ટ વિભાગને અમદાવાદ ડોગ લવર્સ નામના એક પેજ પર કાચબાની જાહેરાત જોવા મળી હતી. જેની તપાસ કરતા આ ચારેય વ્યક્તિ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ કરતા અને કાચબાનું વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતા મુકેશ સોની આ પેજ ચલાવતો હતો. જે મૂળ જયપુરનો છે. જે પરથી કાચબાનો ઓર્ડર મળતા જે તે વ્યક્તિને ડિલેવરી કરવામાં આવી હતી. આ કાચબાને સૂરજ કાચબા તરીકે ઓળખવામાં આવે છે.
ડિલેવરી આ રીતે થતીઃ શુભમ નામનો શખ્સ આ કાચબાની ડીલેવરી કરતો હતો.અમદાવાદના સંપર્કો સુધી કાચબા પહોંચાડતા પોર્ટર દ્વારા કાચબા જે તે વિસ્તાર સુધી પહોંચતા. રૂપિયા મળી ગયા બાદ કાચબા જે તે વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવતા. કાચબાને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. સમગ્ર રેકેટ ગુજરાત તથા રાજસ્થાનથી ચાલતું હતું. પોલીસે મુઝાહિદ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે જે દુકાન ચલાવીને કાચબાનું વેચાણ કરતો હતા.