ઓખાઃ ઓખા બંદરે છેલ્લા દોઢ વર્ષથી કોસ્ટગાર્ડ જેટીનું કામ ચાલી રહ્યું છે. ગુરૂવારે (તા.13 નવેમ્બર 2025) નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો એક પિલ્લર તૂટી પડ્યો હતો. જેના કારણે ત્રણ શ્રમિકો દરિયામાં પડ્યા હતા. જોકે, રેસક્યૂ ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી જતા ત્રણેય શ્રમિકોને બચાવી લેવાયા છે. નેવી અને મરીન પોલીસે શ્રમીકોને સારવાર માટે મીઠાપુર હોસ્પિટલમાં ખસેડ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વની હોવાથી અહીં ઈન્ડિયન કોસ્ટગાર્ડની જેટી બનાવવા માટે ગત વર્ષે માર્ચ મહિનાથી કામ ચાલું કરવામાં આવ્યું હતું. જે હજું સુધી પૂર્ણ થયું નથી.
જિલ્લા પોલીસ વડાનું નિવેદનઃ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતુ કે, પિલ્લર તૂટવાનું કારણ શું છે એની તપાસ કરવામાં આવશે. પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં કોઈ જાનહાનિ થઈ નથી. હકીકત એવી પણ છે કે, આ જેટીનું નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં છે. પાઈલ ડ્રાઈવિંગ, કોંક્રિટિંગ અને સ્ટ્રક્ચરલ વર્ક કરવામાં આવી રહ્યું છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. વિશાળ પિલ્લર સાથે જેટીનો એકભાગ ધરાશાઈ થઈ ગયો હતો.ત્રણેય શ્રમિકોને કોઈ ગંભીર ઈજા થઈ નથી. દરિયામાં ખાબકતા જ એમને બચાવી લેવામાં આવ્યા હતા.
કોસ્ટગાર્ડના જહાંજો માટે જરૂરીઃ તૈયાર થનારી નવી જેટી કોસ્ટગાર્ડના જવાનો માટે ખૂબ જરૂરી છે. જે મોટા જહાંજોને પણ તહેનાત કરવાની ક્ષમતા ધરાવે છે. આ જેટીથી દરિયાઈ સુરક્ષા અને ઈમરજન્સી રીસપોન્સમાં નોંધપાત્ર વધારો થાય એ માટે આ પ્રોજેક્ટ જરૂરી છે. આ વર્ષના અંત સુધીમાં આ જેટીનું કામ પૂર્ણ થાય એવું મનાય રહ્યું છે. જોકે, આ ઘટના થતા કામકાજ થોડું ધીમું થયું છે.