જામનગરઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAYમાં ગેરરીતિને લઈને કાંડ ઉઘાડો પડ્યા બાદ જામનગરની JCC હોસ્પિટલમાંથી PMJAYમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. JCC હાર્ટ હોસ્પિટલમાં 53 જેટલા કેસમાં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર થઈ હોવાનું સામે આવ્યું છે. જેની સામે આરોગ્ય વિભાગ એક્શન લઈને JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટને PMJAYની યાદીમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. જ્યારે ડૉ. પાર્શ્વ વોરાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ રૂ. 6 લાખનો દંડ પણ ફટકારીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જરૂર વગર પ્રોસિજર કરીઃ આરોગ્ય વિભાગની તપાસમાંથી એ વાત જાણવા મળી છે કે, જામનગરની JCC હાર્ટ હોસ્પિટલમાંથી દર્દીઓના ECG રીપોર્ટમાં છેડછાડ કરીને કાર્ડિયાક પ્રક્રિયા કરી હતી. કુલ મળીને 262 કેસની તપાસ કરવામાં આવી હતી જેમંથી 53 કેસ એવા હતા જેમાં દર્દીને કોઈ જ પ્રકારની કાર્ડિયાક પ્રોસિજરની જરૂર ન હતી.આ હોસ્પિટલના ડાયરેક્ટરે ડૉ. કે. એચ.મારકણાએ બેદરકારી પર બોલવાના બદલે બીજા તબીબો પર ખો આપી હતી.તેમણે ઉમેર્યું હતું કે, ડૉ. પાર્શ્વ વોરાએ આ અંગે ક્યારેય કોઈ વાત કરી ન હતી.વારંવાર પૂછપરછ કરીને પણ દબાણ કર્યું હતું. જાણ બહાર આ કૃત્ય થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અંગેની જાણકારી સામે આવી છે એ સમયથી અમે એમને ફરજમુક્ત કર્યા છે.
પૈસા ખંખેરી લીધાઃ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, જામનગરની JCC હોસ્પિટલમાં PMJAY યોજનામાં લેબના રીપોર્ટમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે. 53 કેસમાં વિસંગતતા જોવા મળી હતી.જેનો અર્થ એ થયો કે, પૈસા ખંખેરવા માટે સારવારની જરૂર ન હોવા છતાં PMJAY અંતર્ગત પ્રક્રિયા કરીને પૈસા સરકારમાંથી લઈ લીધા હતા.માત્ર જામનગર જ નહીં પાલનપુર અને જૂનાગઢની ખાનગી હોસ્પિટલ સામે પણ આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના નાગરિકો માટે સારી છે. જેનો હેતુ ઉત્તમ આરોગ્ય સેવાને છેવાડાના માણસ સુધી પહોંચાડવાનો છે.