રાજકોટઃ રાજ્યમાં પડેલા કમૌસમી વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓને યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે હાઈવે પર સૌથી વધારે અવરજવર થઈ રહી છે એમાં પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ-ભાવનગર હાઈવે પર રીપેરિંગની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં નેશનલ હાઈવે જેવા રસ્તા બનશે. આર.બી. સ્ટેટના અધિકારી સંજય પટેલના જણાવ્યા અનુસાર પ્રાથમિક તબક્કે રાજકોટથી આટકોટ સુધીના હાઈવે પર ડામરવર્ક, પેવરવર્ક, પેચવર્કની કામગીરી ચાલું કરી દેવામાં આવી છે.
ગ્રામીણ વિસ્તારોને રાહતઃ ત્રંબા પાસે, મહિકાના પાટીયા પાસે તથા હલેન્ડા ગામ નજીક કામગીરી ચાલી રહી છે. જે એકાદ મહિનામાં પૂર્ણ થશે. રાજકોટથી આટકોટ તરફ જતા સરઘાર, વિરનગર સહિતના ગ્રામ્ય વિસ્તાર જે હાઈવેથી નજીક છે એનું સમારકામ ચાલી રહ્યું છે. આ સાથે ખાડાને બુરવાની કામગીરી પણ ચાલી રહી છે. ખરાબ રસ્તાથી લોકોને જે મુશ્કેલી પડી રહી હતી એનો હવે અંત આવશે. લાંબા સમયથી રસ્તો ખરાબ હોવાને કારણે લોકોને અવરજવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડતો હતો.
મોટી રાહતઃ સ્થાનિકો દ્વારા આ મુદ્દે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. જેને ઘ્યાને લઈને તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે અને રસ્તાનું કામ શરૂ કર્યું છે. રોડ રીપેર થઈ જતા વાહનવ્યવહાર સરળ થઈ જશે. આ સાથે મુસાફરી પણ સરળ બની રહેશે. ખાડાને કારણે થતા અકસ્માતનું જોખમ પણ ટળશે.