ગોંડલઃ સમગ્ર દેશમાં જાણીતા ગોંડલના મરચાની આવક શરૂ થઈ ચૂકી છે. ગોંડલિયા મરચાની સીઝન શરૂ થતાં માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ 3000 ભારીની આવક થઈ હતી. આ સાથે મસાલાની મૌસમના મરચાની આવકના શ્રીગણેશ થઈ ગયા છે. મરચાની ભારી આવવાની શરૂ થતાં જ મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. ભુણવા ગામના વિપુલભાઈ વોરા નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ મળ્યો હતો. જ્યારે બિલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલિયાએ ભાવ બોલ્યો હતો.
સારા ભાવ મળ્યાઃ મરચાની હરાજીમાં સારા માલના સરેરાશ ₹3000થી લઈને ₹3500 સુધીના ભાવ મળ્યા છે. જોકે, માવઠાને કારણે ખેડૂતોના મોટાભાગના મરચાના પાકમાં મોટું નુકસાન થયું છે. યાર્ડમાં મરચાની આવકમાં મોટાભાગનો પાક ડેમેજ હોવાથી પાકનો ભાવ નીચે ગયો હતો. ડેમેજ મરચાની ભારીના ₹1000થી ₹1500 ભાવ બોલાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે ખેડૂતોમાં એક પ્રકારની ચિંતા જોવા મળી હતી.
ખેડૂતોનો મતઃ ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વર્ષે મરચાના જે ભાવ મળ્યા છે એ ગત વર્ષ કરતા સારા છે. સારી કિંમત મળી રહેતા ખેડૂતો મરચાની ખેતીથી ખુશ છે. જોકે, ઉત્પાદન સંબંધી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોએ ઉમેર્યું હતું કે, ઉત્પાદન ખર્ચ વધતા આર્થિક રીતે ખેંચ પડી હતી. મરચાના પાકમાં વાયરસને કારણે સુકારા નામનો રોગ લાગુ પડ્યો હતો. જેની સીધી અસર ઉત્પાદન પર થઈ હતી. જેને નિયંત્રણમાં લેવા માટે દવાનો વધારાનો ખર્ચ કરવો પડ્યો હતો. જોકે, સીઝનની શરૂઆતમાં જ સારી એવી કિંમત મળી રહેતા બીજા ખેડૂતો પણ મરચાની ખેતીને લઈને વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મરચાની આવક વધવાની હવે શક્યતાઓ વધારે છે. ખેડૂતોને એમના પાકનું યોગ્ય વળતર મળી રહ્યું છે. જેની સામે હરાજીમાં પણ પારદર્શકતા રાખવામાં આવશે.