નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આવેલા લાલ કિલા મેટ્રો સ્ટેશનના 1 નંબરના ગેઈટ પાસે સોમવારે સાંજે 6.55 બ્લાસ્ટ થયો હતો. જેના પગલે કાર આગમાં ખાખ થઈ જતા 2 મહિલાઓ સહિત 12 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સફેદ કલરની i20 કાર એક પાર્કિગમાંથી બહાર જતી જોવા મળી રહી છે. આ કાર આતંકી ડૉ. મોહમ્મદ ઉમર ડ્રાઈવ કરી રહ્યો હોવાની આશંકા છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે, આતંકી ઉમર ફરીદાબાદ મોડ્યુલનો એક ભાગ હોઈ શકે છે.

વિસ્ફોટક સામગ્રી જપ્ત કરીઃ જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરિદાબાદથી લઈને લખનઉ સુધી એક સ્પેશ્યલ ડ્રાઈવ કરી 2900 કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે.જેમા ફરીદાબાદમાંથી એક તબીબ મુજમ્મિલ શકીલ તથા લખનઉની મહિલા તબીબ શાહીની ધરપકડ કરવામાં આવી છે. જે i20 કારમાં બ્લાસ્ટ થયો તે કાર ઐતિહાસિક સુનહરી મસ્જિદ પાસે ત્રણ કલાક સુધી પડી રહી હતી. બ્લાસ્ટ થયાના થોડા સમય પહેલા આ જ કાર રવાના થઈ હતી.કાર હરિયાણા પાસિંગની છે. આ કાર 3.19 વાગ્યે મસ્જિદ પાસે પાર્કિંગમાં પાર્ક થઈ હતી. જે સાંજે 6.48 વાગ્યા સુધી ત્યાં જ પાર્ક રહી હતી. સાંજના 7 વાગ્યા આસાપસ લાલ કિલા મેટ્રો સ્ટેશન ગેઈટ નં.1 પાસે સુભાષમાર્ગ પર કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થયો પહેલા આ કારની મુવમેન્ટ જોવા મળી હતી.

ત્રણ વ્યક્તિઓ કારમાં હતાઃ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર કારમાં બ્લાસ્ટ થયો એ સમયે ત્રણ વ્યક્તિ કારમાં અંદર હતી. હરિયાણાના ગુરૂગ્રામમાં આ કાર સલમાન નામના કોઈ વ્યક્તિના નામે રજીસ્ટરર્ડ થઈ હતી.પોલીસે આ સલમાનની ધરપકડ કરી છે. પોલીસે UAPA અંતર્ગત કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ જે કોઈ જવાબદાર હશે એમને કોઈ રીતે છોડવામાં નહીં આવે.
હાઈ લેવલની બેઠકઃ બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાઈલેવલ બેઠક યોજી હતી. જેમાં દિલ્હી પોલીસ કમિશનર, NIAના DG, ગૃહ સચિવ તથા IBના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના DGP વર્ચ્યુઅલી જોડાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનામાં ચારથી પાંચ મૃતદેહની કોઈ રીતે ઓળખ થઈ શકી નથી. બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.દિલ્હી, મુંબઈ, લખનઉ,જયપુર, અમદાવાદ, ચેન્નઈ, હૈદરાબાદ જેવા શહેરમાં પોલીસે યુદ્ધના ધોરણે ચેકિંગ શરૂ કરી દીધું હતું.